Quotessence
Home / Authors / Dr. Nimit Oza

Dr. Nimit Oza Quotes

Author

Filter quotes by topic

Famous Dr. Nimit Oza Quotes

“કેટલાક લોકો ભેંટમાં એકાંત આપી જાય છે. વાત કે મુલાકાત કરવા માટે ના પાડીને કેટલાક લોકો આપણને ગિફ્ટ આપતા હોય છે. ગિફ્ટ ઓફ સોલીટ્યુડ. આપણે એ રીતે વિચારવું જોઈએ કે જો લોકો આપણને અવોઈડ કરી રહ્યા છે, તો આપણને વધારે સમય મળી રહ્યો છે. પુસ્તક વાંચવાનો, મેડીટેશન કરવાનો, આત્મ-નિરીક્ષણ કરવાનો અને દુભાયેલા હૃદયને છાનું રાખવાનો એક મોકો મળી રહ્યો છે. જે જવાબો કોઈની કંપનીમાં નથી જડતા, એ જવાબો ક્યારેક એકાંતમાં જડી જતાં હોય છે. જો કોઈનો ફોન કે મેસેજ નથી આવતો, તો એને જાતમાં ડૂબકી લગાવવાનું આમંત્રણ સમજવું. લોકોની ગેરહાજરીમાં જ આપણને એવું રીયલાઈઝ થતું હોય છે કે આપણે એકલા જ પર્યાપ્ત છીએ. અસ્વીકાર કે અવોઈડન્સ દ્વારા લોકો ક્યારેક આપણને એવું સમજવાની તક આપતા હોય છે કે આપણને એમની જરૂર જ નથી.”

“અમૂક સમય પછી દરેક રિલેશનશિપ ‘બોરિંગ’ થઈ જાય છે. આ એક એવું સત્ય છે, જે આપણને કોઈ નથી કહેતું. શરૂઆતમાં ગમ્મે તેટલો આહલાદક અને રોમાંચક કેમ ન હોય, દરેક સંબંધ ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂલ કે કંટાળાજનક બની જાય છે. ધેટ્સ ઓકે. એનો અર્થ એ નથી કે એમાં રહેલો પ્રેમ લુપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે પ્રેમ પરિપક્વ થતો જાય છે. જગતનો કોઈ સંબંધ આજીવન ‘હનીમૂન ફેઝ’માં નથી રહેતો. અને રહેવો પણ ન જોઈએ. જો એ કંટાળાજનક તબક્કામાં નહીં પ્રવેશે, તો પ્રેમમાં ઊંડાણ, ધીરજ, અને સ્થિરતા કઈ રીતે આવશે ? આ ‘બોરિંગ’ તબક્કામાં જ સંબંધોનું સ્થાયીકરણ થાય છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે જ તળિયે બેસે છે જ્યારે જળ શાંત થઈ જાય છે. એ કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શકે, પણ એ સાધારણ લાગતી ક્ષણોમાં જ અસાધારણ પ્રેમનો ઉછેર થતો હોય છે.”

“રીએક્ટ કરતાં પહેલાં એક વિરામ લઈ શકવો, એ માનવ બુદ્ધિ પ્રતિભા અને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ છે. ઘણી બધી વાતો સીન ક્રિએટ કર્યા વગર પણ કહી શકાય, એ સમજણ એટલે ભાવાત્મક પરિપક્વતા.”

“તમે તમારા જીવનમાં મસ્ત અને સંતુષ્ટ હો, એ વાત જગતને સૌથી વધારે ખૂંચે છે. વધુ પડતી આત્મ-નિર્ભરતા ક્યારેક ઈર્ષાનું કારણ બની જાય છે. જો તમે કોઈને નડતા કે કનડતા નથી, તો તમારું એ નિર્લેપપણું સમાજને ખૂંચ્યા કરશે. તમારી આસક્તિ સમાજની આવશ્યક્તા છે. અને એટલે જ તમારી અનાસક્તિ એમના માટે અસહ્ય હોય છે.”

“દરેક વખતે આપણે મૂવ-ઓન નથી થતાં. ક્યારેક ટ્રાન્સફોર્મ થઈએ છીએ. ઘટનાસ્થળથી દૂર જવાને બદલે, આપણી એ જાતથી દૂર ચાલ્યા જઈએ છીએ જેણે દુર્ઘટના સર્જેલી. કેટલાક લોકો મૂવ-ઓન કર્યા પછી પણ બદલાતા નથી અને કેટલાકને મૂવ-ઓન કરવા માટે બદલાવું છે. માત્ર સમય નહીં, વ્યક્તિ પણ બદલાય, ત્યારે હાર્ટ-બ્રેક થયું સાર્થક કહેવાય.”

“આખું જગત તમને દોડાવતું રહેશે. ફક્ત કલા તમને અટકી જવાનું કહેશે. દરેક જણ ઉતાવળ કરાવશે. ફક્ત સાહિત્ય તમને ધીરજ રાખવાનું કહેશે. સંગીત તમને નિરાંત શીખવાડશે. પુસ્તકો કહેશે કે ‘ટેક યોર ટાઈમ. કોઈ જલ્દી નથી.’ જો જગત અને કલામાંથી કોઈ એકની પસંદગી કરવી પડે, તો હંમેશા કલાની વાત સાંભળજો.”

“આત્મ-સુધારની જાણ એમને જ કરવાની હોય, જેઓ આપણા માટે મહત્વના હોય. આપણી વ્યક્તિગત ઉન્નતિના દર્શન અમૂક ખાસ લોકો જ કરી શકે. આપણી પ્રગતિ, પરિપક્વતા અને પરિવર્તન વિશે દરેકને જાણ કરવી નિરર્થક છે.”

“આપણે ગમ્મે તેટલા સાચા હોઈએ, કેટલીક લડાઈઓ જીતવી નિરર્થક હોય છે. જેમને અજ્ઞાનતામાં અજવાળું દેખાતું હોય, એમની પાસે જ્ઞાનની વાતો કરવી મૂર્ખામી છે. જેઓ પોતાની અજ્ઞાનતાને વફાદાર હોય, એમની સામે જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય ન કરવું.”

“અન્યની દરેક નાની ભૂલને બ્રોડકાસ્ટ કરવી કે સુધારવી જરૂરી નથી હોતી. નાની નાની બાબતોની ફરિયાદ ન કરવી, એ પણ એક એપ્રિસિએશન છે. કોઈની કદર કરવા માટે દર વખતે પ્રશંસા કરવી જરૂરી નથી હોતી. એમની નાની અને માનવ સહજ ક્ષતિઓ ઈગ્નોર કરીને પણ આપણે તેમની કદર કરી શકીએ છીએ.”

“ભાવશૂન્ય લોકો માટે આપણે કાયમ સેન્સીટીવ જ રહેવાના. આપણે ક્યારેય વધુ પડતા લાગણીશીલ નથી હોતા. બસ, ક્યારેક એવા લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ જેમને માટે લાગણીશૂન્યતા નોર્મલ છે.”

“કેટલાક લોકોના મનમાં રહેલી આપણી છબી, આપણે ક્યારેય બદલી શકવાના નથી. જે લોકોને પોતાની ગેરમાન્યતાઓ ઉછેરવી હોય, એમની સામે આપણી દરેક સ્પષ્ટતા નકામી છે. આપણા વિશે ફેલાયેલી કેટલીક ગેરસમજણો દૂર ન કરવામાં જ શાંતિ રહેલી છે.”

“દરેકની નજરમાં હીરો બનવાનું છોડી દઈએ, તો જીવન બહુ સરળ થઈ જાય છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામા કે નવરા જ રહેવાના. બસ, એટલું સ્વીકારી લઈએ તો ઘણી માનસિક શાંતિ મળશે.”

“જ્યારે તમે ખરેખર જાતને પ્રાથમિકતા આપવા માંડો છો ત્યારે અમૂકને ગુમાવવા લાગો છો. તમારા ઉપેક્ષિત સ્વ-હિતથી જેટલા લોકોને લાભ મળતો, એ બધા હવે દૂર ચાલ્યા જશે. ધેટ્સ ઓકે. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂર જવું આવશ્યક હોય છે.”

“નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.”

“જે છૂટી ગયું હોય કે છોડી દીધું હોય એને ક્લેઈમ કરવા ક્યારેય પાછા ન ફરવું. ભૂતકાળ બનેલી ક્ષણો પર દાવો કરવાથી ક્યારેક આપણે ફરી એ જ બેડીઓમાં પ્રવેશી જઈએ છીએ, જેમાંથી માંડ છુટકારો મેળવેલો. એ ક્ષણો ગમ્મે તેટલી સુખદ હોય, ભૂતકાળને ફરીથી જીવવાનો પ્રયત્ન કરવો મૂર્ખામી છે. કારણકે લાખ પ્રયત્નો પછી પણ એની એ જ ક્ષણોને આપણે ફરીથી જીવી નથી શકવાના. ભૂતકાળ ગમ્મે તેટલો પોકારે, એને પાછળ વળીને જોવાની ભૂલ ન કરવી. એ સુખદ યાદોને મનોમન ચૂમી લેવી અને આગળ વધવું.”

“જીવનમાં કેટલાક ફેરફારો બાહ્ય રીતે અનિચ્છનીય અને નેગેટીવ લાગે છે, પણ હકીકતમાં તેઓ અંદરની બાજુએ મોકળાશ કરતાં હોય છે. એવી જગ્યા બનાવતા હોય છે જ્યાંથી કશુંક નવું ઉગી શકે.”

“લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે. એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.”

“જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.”

“પ્રેમનો લિટમસ ટેસ્ટ શાંતિ છે. જેમની હાજરીમાં તમે શાંત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરો છો, ત્યાં પ્રેમ મળવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. કારણકે કોઈ પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અને સરપ્રાઈઝ બહુ જલદી ઓગળી જાય છે, પણ શાંતિ આજીવન ટકે છે. રોમાંચ અને રોમાન્સના ભરોસે દૂર સુધી નહીં જઈ શકાય, કારણકે એ અલ્પજીવી હોય છે. આજ નહીં તો કાલ, શૃંગાર રસ ગાયબ થવાનો જ છે. પણ શાંત રસ ક્યાંય નહીં જાય કારણકે આપણો મૂળ સ્વભાવ શાંત રસ છે. વર્ષો સુધી જે સાથીઓ એકબીજાને શાંત રસ પીરસી શકે, તેઓ પ્રેમમાં પરિપક્વતા અને પ્રગતિ પામી શકે. મોડી રાત સુધી ચાલતી વોટ્સ-એપ ચેટ, કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ, અને પેટમાં ઉડતા પતંગિયા બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. વહાલના ઉભરા શમી જાય છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય, પછી જે શાંત અને સ્થિર રાખ વધે એનું નામ પ્રેમ છે. જ્યાં બે જણા વચ્ચેનું મૌન કમ્ફોર્ટેબલ હોય, ત્યાં પ્રેમનું બીજ અંકુરિત થઈ શકે છે. એક પણ શબ્દ બોલ્યા વગર કોઈની બાજુમાં બેસીને તમે એને સાંભળી શક્તા હો અને એ તમને સમજી શક્તા હોય, તો રોમેન્ટિક મેસેજીઝ કે લાલ ગુલાબનો મોહ ન રાખવો. કારણકે શાંત સંગાથ સાહચર્ય માટેના શ્રેષ્ઠ શુકન છે. જે વ્યક્તિ સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવે, એ પ્રેમનો મુકામ છે. જે ભાવાત્મક તોફાન સર્જે એ નહીં, જે માનસિક શાંતિ તરફ વાળે એને પ્રેમ ગણવો.”

“પ્રિય લોકો પરફેક્ટ હોય એવો આગ્રહ છોડી દેવો. કારણકે કોઈના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કરતાં રહીશું, તો એમને ક્યારેય ચાહી નહીં શકીએ. આપણે ક્યારેય કોઈને ટુકડાઓમાં નથી ચાહી શક્તા. એમની સિલેક્ટેડ લાક્ષણિકતાઓને પ્રેમ કરીએ, અને અપ્રિય બાબતોને ધિક્કારીએ, એવું શક્ય નથી બનતું. પ્રિયજનને એમની અપૂર્ણતાઓ સાથે સ્વીકારી લેવા પડે છે. એમની અણગમતી બાજુઓને એમના વ્યક્તિત્વનો એક ભાગ ગણીને સ્વીકારી લેવી પડે છે. મોટાભાગે આપણી પાસે બે જ વિકલ્પો હોય છે, પ્રિય વ્યક્તિને કાં તો છોડી દેવી પડે છે, ને કાં તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડે છે. કોઈ બદલાઈ એવી શરતે કે એવી આશામાં, ક્યારેય કોઈને ચાહી નથી શકાતા. જેના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પામી નથી શક્તા.”

“સુંદરતા ધ્યાન આકર્ષી શકે, આદર નહીં. આ સૌંદર્યની કરુણતા છે. સુંદર લોકો માટે આ જગત થોડું વધારે કપરું હોય છે કારણકે લોકો જ્યારે તમને અયોગ્ય કારણસર ચાહવા લાગે ત્યારે એમાંથી કોઈની પસંદગી કરવી મુશ્કેલ હોય છે. કમનસીબે કેટલીક સુંદર સ્ત્રીઓને લોકો માણસ તરીકે નહીં, ટ્રોફી તરીકે જુએ છે. એક એવો એવોર્ડ કે વિજય ચિહ્ન જે ચાહવાની નહીં, પામવાની બાબત હોય.”

“જે લોકો આપણી પ્રાર્થનાસભામાં પણ બે મિનીટની હાજરી આપવાના હોય, એમના અભિપ્રાયોને કેટલુંક મહત્વ આપવાનું ? આપણી પ્રાર્થનાસભામાં જે લોકો આપણા ફોટાની સામે નહીં, ફોટાની બાજુમાં બેઠા હશે, બસ એ જ અત્યારે મહત્વના છે.”

“દરેક વખતે આપણી જ ભૂલ હોય એવું જરૂરી નથી. ક્યારેક ભૂલમાં આપણે આવી ગયા હોઈએ છીએ. કશું જ ખોટું ન કર્યું હોવા છતાં ક્યારેક યાતના ભોગવવી પડે છે. અકારણ મળેલી સજા જીવનનું મુખ્ય લક્ષણ છે. કારણકે લાઈફ ઈઝ અનફેર.”

“કેટલા માર્ક્સ આવ્યા ?’ પૂછનારો મિત્ર હંમેશા સ્ટ્રેસ આપે છે. ઓનેસ્ટલી, તે મને મિત્ર ઓછો અને હરિફ વધારે લાગે છે. મિત્ર તો એવો હોવો જોઈએ જે પૂછે, ‘સ્કોર શું થયો ?”

“ચાઈલ્ડહુડ ટ્રોમા કે અન્ય કોઈ જાતના ભાવનાત્મક આઘાત વગર વીતેલા શાનદાર બાળપણ માટે પણ ક્યારેક આપણે મમ્મી-પપ્પાના ઋણી હોઈએ છીએ. આપણા માનસ પર કેવી, કેટલી અને કઈ હદ સુધીની ઈજાઓ પહોંચી શકી હોત, એનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે આપણે અન્ય કોઈને એ ઈજાથી પીડાતા જોઈએ છીએ. એ તમામ ભાવનાત્મક આઘાતથી બચાવીને આપણા સુધી માત્ર પ્રેમ પહોંચાડવા બદલ મમ્મી-પપ્પાને પેરેન્ટિંગનો ઓસ્કાર મળવો જોઈએ.”

“પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુંવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ધૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે.”